ઈ.સ. 1955-56માં ઉન્નત કક્ષાએ જીવતા જીવતા ત્રણ ભૂલકાઓની પ્રાપ્તિ બાદ આર્થિક રીતે સધ્ધર થયા બાદ મારા પતિને રાતોરાત અંધત્વ ન આવ્યું હોત તો હું આ લેખ ન લખતી હોત. ભાસ્કર ત્યારે 8 વર્ષનો, તેનો ભાઈ ગગન 6 વર્ષનો. આજે પણ તેમના માતા રંભાબેન અને સ્વ. મહેતા સાહેબને અમે ક્યારેય નહીં ભૂલીએ. એ બબ્બે અંધ સંતાનોની માતાએ મારા પ્રજ્ઞાચક્ષુ પતિના પુર્નવસન માટે માર્ગદર્શન-હિંમત અને સધિયારો પૂરા પાડયાં તે મારા માતા પિતાથી ઓછાં ન હતાં તેમની પાસેથી પ્રાપ્ત આ સંસ્કારો. ભાસ્કર-ગગન જેવા અનેક રોશની ગુમાવનાર બાળકોનાં ઉછેરમાં અમારી કિંમતી મૂડી બન્યા. અહીં થી શરૂ થઈ ભાસ્કરની અમારી વાત્સલ્યની ગોદમાં આવવાની શરૂઆત.
અમો પાડોશમાં રહેતા, અમારા બાળકો અને ભાસ્કર -ગગન સમવસ્કો હતાં. અમો બંને નોકરી કરતા પરિણામે અમારા ઘરમાં નવરાશની પળોમાં આ સૌ બાળકોનું સામ્રાજય. ઘરમાં ખાય પીએ, મસ્તી કરે, સાંજે પાછા ફરીએ ત્યારે પડોશીઓની ફરીયાદ અમારી પાસે અચૂક પ્હોંચે. પ્રેમથી આ સૌ છોકરાઓને સમજાવીએ જરૂર પડયે ચૌદમુ રતન બતાવીએ. પણ અંતે તો આ છોકરાઓની નિર્દોષતા અમને આનંદ આપે. ભાસ્કરને તો શાળામાં પણ જોઈતુ ન મળે ત્યારે જાગતા હોય તો તોફાને ચડે અને ચાલુ વર્ગે અધ્યાપક અંધ હોય તો ઊંઘે. પરિણામે શિસ્તના આગ્રહી સ્વ. હર્ષદ જોષી પહેલા સમજાવે પણ સમજાવ્યે ન સમજે તો તેમના હિતમાં તેમનું તાડન કરે. એટલે સ્કૂલમાં પણ માર અને ઘરે આવે ત્યારે પડોશીઓની, ભાસ્કરના માતા પિતાની ફરિયાદને કારણે માર પડે. એકવાર તો ભાસ્કરે તેના સાહેબને ધમકી આપતા કહ્યું, “ચાલ ગધેડા પાંડુભાઈ પાસે.” સાહેબ બોલ્યા, “હિડ, તુ શું મને લઈ જાય હું જ તને પાંડુભાઈ સાહેબ પાસે લઈ જઈશ.” પણ પછી મારને બદલે ભાસ્કરને સુધારવા, ચાલુ વર્ષે ઊંઘ તો બંધ કરવા અમે બ્રેલ વાંચનનો માર્ગ અપનાવ્યો. ચમત્કારિક રીતે તે અમને, શાળાને અને સૌને લાભદાયક તેમજ પ્રતિષ્ઠા અપાવનાર બન્યો. આજે ભાસ્કર સફળ અધ્યાપક, ટી.વી. ન્યુઝ રીડર કે વક્તા બન્યો હોય તો તેમાં બ્રેલનો ફાળો મોટો છે. તેની રસ, રુચિ અને પ્રદાન એ બ્રેલ વાંચનનું પરિણામ છે.
પરિશ્રમ વેઠી ગામના ટીફીન કરી ભાસ્કરના મા રંભાબેન તેને મોટો કરે અને ના સમજ ભાસ્કર ભારત કક્ષાએ તે જમાના માં 75/-રૂા. ના પણ પહેલા ઈનામો બ્રેલ વાંચ્યાના જીત્યાની ખુશાલીમાં મિત્રોને ઉદાર થઈ કોકાકોલાની પાર્ટી આપવા તૈયાર થાય અને તેને હું અટકાવું. આ વાત તેને તથા મિત્રોને ન ગમે પણ કડવું ઔષધ તો મા જ થાય. એ ન્યાયે તેને વારવો જરૂરી લાગ્યો. તેની સફળતા તેના તથા તેના બે પ્રસંગોમાં ઉમટીને આનંદ લૂંટતી વ્યકિતઓને જોઈ, ત્યારે અમને બેય મા ઓને થયો.
બાળક હોવાને કારણે પ્રવાસ દરમ્યાન ભાસ્કર અને તેના જેવા બાળકોના ભીડ ને કારણે ઊંઘને કારણે લઘુશંકાથી ખરાબ થતા વસ્ત્રો સાફ કરતા કે બદલાવતા મને એક સ્ત્રી અને એક માતા હોવાને નાતે ક્યારેય સંકોચ નથી થયો કે ગુસ્સો નથી આવ્યો. કારણ હું પણ રંભાબેનની જેમ સૌ બાળકોની માતા છું તેનો મને અહેસાસ થતો.
આઠમા માં ભાસ્કર આવ્યોને ફરી અમારા ઘરે આવી કહે મને નોર્મલ છોકરાઓ સાથે ભણવું છે. બધા તેનો વિરોધ કરે કોઈ લોભથી, કોઈ પ્રતિષ્ઠા મેળવવા. પણ મેં તથા સ્વ. જોષી સાહેબે પ્રોત્સાહન આપ્યું. પરિણામ આજે તૈયાર થયેલ એક જવાબદાર મિત્ર વર્તુળથી ઘેરાયેલ સામાજિક અને પ્રતિષ્ઠા સંપન્ન ભાસ્કર માં આપ પણ અમારી સાથે જુઓ છો આ બાળકોનાં શિક્ષણ સાથે જ્યારે ઉચ્ચ શિક્ષણનો પ્રશ્ન આવ્યો ત્યારે પણ અમે એક અડગ વડીલ, પ્રેમાળ પહેરેગીર તરીકે તેની ઢાલ બન્યા. તેણે B. A., M. A, LL. B. મુસીબતો છતાં તેજસ્વી પરિણામો સાતે પૂરા કરી સફળતા હાંસીલ કરી ત્યારે અમને પરસ્પર સાથે રહ્યાનો સાચો આનંદ મળ્યો. B. A. દરમ્યાન ભાસ્કરને ગંભીર માંદગી આવી. તેના માતા-પિતા સાથે અમે સૌ બેચેન બન્યા. તેના જોષી સાહેબ, રંભા બહેન પાસે પહોંચી શાંત રહેવાનું કીધું. માત્ર અમરૂ રડવાનું બાકી રહ્યું.
ભાસ્કર બિમારીમાંથી બચી ગયો. કારણ અમારે એ યુવાન વિનાના મા-બાપ જોવાને બદલે તેની ષષ્ઠીપૂર્તિ જોવાનો દિવસ ઈશ્વરે અમારા નસીબમાં લખ્યો હતો.
મા-બાપ પાસે દિકરો ખુલ્લા દીલે જાય અને કબૂલે. ચિ. ભાસ્કર પણ ચિ. પ્રવિણા ને અમારૂ દંપતિ બતાવવા પહેલીવાર લાવ્યો ત્યારે મારો પ્રજ્ઞાચક્ષુ પુત્ર પરણશે. તે ખ્યાલથી હું ખૂબ આનંદવિભોર થઇ. પણ સ્વ. જોષી સાહેબ પ્રવિણાને સ્વસ્થચિતે સવાલો કરે. મક્કમ મનની પ્રવિણા તેમને જવાબો આપે. આ પછી ભાસ્કરના પત્ની બાળકો અમને બા-દાદા કહે. ભાસ્કરના બાળકો તેમના મારવાનો પ્રસ્તાવ મૂકે તો જોષી સાહેબ જણાવે કે તે હવે મારવા જેવુ નથી કરતો તો શું કામ મારીએ? અમો બંને ભાસ્કરને સદય તુકારે બોલાવીએ તેમાં તેને અમારૂ વહાલ લાગે અને જાહેરમાં ક્યારેક તમે કહીએ તો ભાસ્કર બગડીને છતાં હસતા હસતા કહે, “સાહેબ, બેન! બહુવચનની ગાળો આપવાની બંધ કરો.”
વ્યવસાય પ્રાપ્તિમાં ભાસ્કરને પ્રાતિજમાં પહેલી તક મળી. ભાસ્કર B. Ed. પણ કરે. અમદાવાદની બહાર નોકરી કરવાની. સ્વ. જોષી સાહેબ તેની સાથે B. Ed. કોલેજના આયાર્યને તેજસ્વી અંધજનોના વિશાળહિતમાં ભાસ્કરને નોકરી અને અભ્યાસ ચાલુ રાખવા સમજાવવા ગયા. આચાર્યશ્રીએ આ વાત સ્વીકારી.
સાહેબ નિવૃત્ત થયા પછી અંધજન શિક્ષણ-પ્રશિક્ષણ હોય, બ્રેલ મેથે. કોડ કે તેના તાલીમ કાર્યક્રમો હોય આ વિષયના પુસ્તકોનું ગુજરાતી હેન્ડપ્રિન્ટ કે બ્રેલમાં પ્રકાશન હોય તાલીમ વર્ગોનું સ્વાયોજન હોય, સાહેબ અને ભાસ્કર પિતા-પુત્રની જેમ સાથે કામ કરે અને તેમને સફળતા મેળવતા જોઈ અમને આનંદ થાય.સાહેબ માટે ક્યાંય રજુઆત કરવાની હોય તો ભાસ્કર મક્કમ રહે જ. સામાને ગળે વાત ઉતારી ને રહે. વિચિત્રાપૂર્ણ જગતમાં કોઈ અમારે માટે અયોગ્ય બોલે તો ભાસ્કર જડબાતોડ જવાબઆપી બોલતો બંધ કરે. અમારે ક્યારેક તેને વારવો પડે. તેમાં તેના શિષ્ય તરીકેનો પુત્ર રૂપ માં રહ્યાનો પ્રેમ છે.
બંને પરિવારના બાળકોના પ્રસંગમાં અમારે ત્યાં ભાસ્કર-ભાસ્કરને ત્યાં અમે હોઈએ. આ પારિવારિક પ્રેમનો
મજબૂત પાયો નાનપણથી ભાસ્કર અમારી સાથે રહ્યો તે છે ભલે એ દાદા કે નાના બને પણ અમારે મન હજી જ્યાં સુધી સ્નેહનો સવાલ છે ત્યાં સુધી એ ચઠ્ઠી-બનીયન પહેરતો બાળ ભાસ્કર જ છે.
આવો તેની આજ્ઞાંકિતાનો વિચાર કરીએ. જગતમાં ભાસ્કર બે જ માણસોનું કહ્યું કરે તેવુ લોકો કહે છે. (1) સ્વ. જોષી સાહેબ અને (2) તેના માતૃશ્રી રંભાબહેન કે ઈન્દુબેન. ભાસ્કરને ગમે તેટલું ગમે તો પણ આ સૌએ ના પાડી હોય તો તે ન કરે કારણ પરસ્પર નો નિર્વ્યાજ સ્નેહ છે.
સમયને જતા વાર નથી લાગતી. 6 નો મળેલો ભાસ્કર આજે 60 નો થયો. અમે તેને કહીએ, “તુ મોટો થયો.” તે અમને હસતા હસતા કહે, “મારી સાથે અને મારા જેટલા તમે પણ મોટા થયા કે નહીં.” પરિણામે આપણા વચ્ચેનું અંતર, સંબંધો તો તેવા ને તેવા રહ્યા. ષષ્ઠીપૂર્તિ પ્રસંગમાં પ્રત્યક્ષ હાજર નથી. પણ પુત્ર ભાસ્કરને, તેના પરિવારને આ પ્રસંગે હાર્દિક શુભકામના પાઠવી. શ્રદ્ધા રાખીએ કે અમારા વાત્સલ્યની ગોદમાં ભાસ્કર -ગગન સદા વસતા રહે અને આદર સાથે સ્નેહ આપી અમારા આશીર્વાદ સદા મેળવતા રહે. સ્વ. હર્ષદરાય જોષી પરિવારના સૌને અભિનંદન સાથે આભાર...