લોકોકિત તો એવી છે કે પ્રત્યેક પરિણિત સફળ પુરુષની સફળતા પાછળ તેની પત્નિનો સહકાર કારણરૂપ હોય છે. અમારા જીવનમાં મારા જીવનની સફળતામાં મારા પતિનો સહકાર વધુ મહત્વનો રહ્યો છે. પ્રો. ભાસ્કર યોગેન્દ્રરાય મહેતાની ષષ્ઠીપૂર્તિ પ્રસંગે હું તેમની પત્નિ તરીકે ધન્યતા અનુભવું છું. મારૂં વ્યકિતગત જીવન અને કૌટુંબિક જીવન મારા પતિના સથવારે સદા મંગળ અને સફળ રહ્યું છે.
Love at first sight … દ્વારા પ્રેમલગ્ન કે માતા-પિતા દ્વારા Arranged Marriage... આ બંને પ્રકારમાં મારૂં તેમની સાથેનું લગ્ન પૂર્ણતઃ આવી શકતું નથી. પણ, યુવાની સુધી આવતાં આવતાં પરિસ્થિતિ એવી નિર્માણ થતી ગઈ કે. જાણે ઈશ્વરે સ્વર્ગમાં અમારૂં જોડું નક્કી કર્યું અને ધરતી પર અમે તે પ્રમાણે લગ્નગ્રંથિથી જોડાયા. ધીમે ધીમે એવી ઘટનાઓ ઘટતી ગઈ અને અમે અન્યોન્ય પસંદગીથી પરણ્યા. સાબરકાંઠાના ભિલોડા
તાલુકાના નાનકડાં ટાકારુકા ગામના તપોધન બ્રાહ્મણના પરિવારમાં મારો જન્મ થયો હતો. ટાકાટુકા ગામમાં પ્રતિવર્ષ એક વૃધ્ધ સુરદાસ બે ત્રણ મહિના માટે આવે, મારા માતા તુલસીબેન તેમને નિમંત્રે અને જમાડે. વળી, તેમને કહે કે જો ક્યાંયથી ભોજન ન મળે તો તે દિવસ નિ:સંકોચ મારે ત્યાં આવી જવાનું પણ ભુખ્યા ન રહેતાં. અમને અને શેરીના અન્ય બાળકોને મારી માતા સૂચના આપતાં કે સુરદાસને હેરાન ન કરતાં, તેમને હંમેશા મદદ કરજો. ઈશ્વરની અવકૃપાવાળી વિકલાંગ વ્યકિત તરફની સહાનુભૂતિ ના અહીં મારા હૃદયમાં બી રોપાયાં હતા.
વળી, બાળપણની સખી દક્ષા ઉપાધ્યાયનો આઠ વર્ષની ઉંમરનો ભાઈ પ્રકાશ અચાનક કોઈ કારણથી દ્રષ્ટિ ગુમાવી ચુક્યો. તેમનો પરિવાર ખુબ દુઃખી થઈ ગયો, હું પણ ખૂબ જ દુઃખી થઈ ગઈ. પ્રકાશને રમાડવામાં, હરવા ફરવામાં, જમાડવામાં વિગેરે દરેક દૈનિક કાર્યોમાં અમે મદદ કરતાં. અંધ વ્યકિતના જીવનની
હાડમારીનો મને દક્ષાની બહેનપણી તરીકે નજીકથી પરિચય થયો અને અંધવ્યકિત તરફની મારી સહાનુભૂતિ દ્રઢ બની.
ધોરણ પાંચમાં અભ્યાસ કરતી હતી ત્યારે કોઈ રોગને કારણે મારી આંખોમાં સતત પાણી આવતું હતું. શાળાના બ્લોકબોર્ડનું લખાણ વાંચવામાં, પુસ્તક વાંચવામાં કે લેખનકાર્યમાં ખુબ તકલીફ પડવા લાગી. ડોકટરે નિદાન કર્યું કે મારી આંખો નબળી છે, જો કાળજી નહિ રાખો તો અંધત્વ પણ આવશે! મારી માતાએ મારા વધુ વાંચવા પર પ્રતિબંધ મુક્યો. છતી આંખે..... વધુ વાંચવા પર અંકુશ... ત્યારે જ સ્વ અનુભવ થયો કે અંધ વ્યકિતનું જીવન કેવું કપરૂં હશે? પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થતાં અમે અમદાવાદ રહેવા લાગ્યાં. S.S.C. ની પરીક્ષા સમયે ખરી કસોટી થઈ. પરીક્ષા ઊંચા ટકાએ પાસ થવા માટે ખુબ વાંચવું પડે - પણ સ-જળ નયને કેમ વંચાય? વધુ વાંચવાથી નુકશાન થવાનું જોખમ હતું. પરિણામે મારી બહેનપણી દિપ્તીકા મોટેથી વાંચે અને મારે તે સાંભળી યાદ રાખવાનું. ઈશ્વર કૃપાથી - S.S.C. 67 % સાથે પાસ કરી. અહીં પણ આ ઘટના મારા મનને વિકલાંગ માટે સહાનુભૂતિ પ્રેરતી હતી. ત્યારબાદ કોમર્સ કોલેજમાં પ્રવેશ લઈ B. Com. ની ડિગ્રી મેળવી.
મારી ઉંમર 16 વર્ષની થઈ ત્યારે મારા પિતાશ્રીએ મેમનગરમાં મકાન રાખ્યું હતું. તે વિસ્તારની અંધ કન્યા પ્રકાશગૃહની મુલાકાત લીધી. મને તે અંધકન્યાઓમાં “પ્રવિણા” જ દેખાતી હતી. કારણ કે જે મારી દ્રષ્ટિ જતી રહેત તો હું પણ અંધકન્યા ગૃહમાં જ હોત એવો ધ્રુજાવી દે તેવો વિચાર મને ત્યારે આવ્યો હતો.
અવતાર સ્ત્રીનો અને તે પણ અંધત્વ સાથે? મારા ચિત્તને આ વિચારે વલોવી નાંખ્યું. ઈશ્વરનો અને કાળજી લેનાર પરિવારનો આભાર માન્યો કે આજે હું અંધ નથી, જોઈ શકું છું. જીવનની તે ક્ષણે એક નિર્ધાર લીધો કે મારી આંખો બચી છે તો હવે મારી આંખોનો ઉપયોગ અંધજનો માટે જ કરીશ. મારા નિર્ધારને મેં કાર્યાન્વિત કર્યો.... તે અંધ કન્યા ગૃહમાં જઈ તેમને મદદરૂપ થવામાં. તેમના માટે રિડર તરીકે, રેકોર્ડીંગ, શોપીંગ, ડાન્સીંગ, રસોઈ બનાવવામાં મેં સહાય આપવાનું ચાલું કર્યું. હું ઇશ્વર નિર્મિત ઉપરોક્ત ઘટનાઓથી વિકલાંગો તેમાં પણ અંધજનો માટે સહાયક બનવાના ઉદાત કાર્યમાં નખશીખ જોડાઈ ગઈ.
યુવાનીનાં ઊંબરે ઉભેલ યુવતી માટે માતા-પિતા લગ્ન માટે યુવક જોવા લાગેજ. મારા માટે પણ માતા-પિતા
મૂરતીયાં જોવા લાગ્યાં.... મને તે માટે પૂછવા લાગ્યાં. મેં પ્રથમ તો સ્પષ્ટ ના પાડી કે મારે લગ્ન નથી કરવા - જે સેવાકર્ય કરૂં છું તેમાં હું જીવન વિતાવીશ.
પણ, પિતાશ્રીના અતિ આગ્રહ અને તેમને દુઃખી ન કરવા માટે અંતે મેં લગ્ન કરવાની તૈયારી બતાવી. પણ શરત એ રાખી કે હું અંધ યુવાન સાથે લગ્ન કરીશ. વળી તે યુવાન પણ મને અંધજનોની સેવા માટે અનુમતિ આપે તો લગ્ન કરીશ. માતા-પિતા કચવાતા મને તે શરતો સ્વીકારવા તૈયાર થયાં.
પ્રો. ભાસ્કર મહેતા સાથે મારૂ લગ્ન થવાની મંગલ ઘટના તરફ દોરી જતી અન્ય ઘટનાઓ પણ... ઈશ્વરે નક્કી કરી જ હતી. અંધકન્યા પ્રકાશ ગૃહમાં રિડર તરીકે સેવા આપવા આવતાં શ્રીમતી રંભાબેન મહેતા અંધ કન્યાઓ માટે વાંચન કરે, તેમની સાર સંભાળ લે અરે... થેલો ભરી તેમના તૂટેલાં ચંપલો રીપેર કરાવવા સાથે લઈ જાય. હું પણ તે ગૃહમાં સેવા આપતી એક વિદ્યાર્થીનીએ મને કહ્યું કે રંભાબેનનો અંધ છોકરો B.Ed, માં યુનિવર્સિટી First આવ્યો છે. આ સાંભળી ને ખુબ જ આનંદ થયો..... સાથે વિચાર આવ્યો કે આ યુવાનને માત્ર આંખ જ નથી બુધ્ધિમતામાં તે શ્રેષ્ઠ છે. તો તેને “આંખ” મળી જાય તો? તો ગગનવિશાળમાં ઉડવા માટે તેને “પાંખ” મળી જશે.
મારા હૃદયમાં મુકાયેલ આ પ્રેરણાએ જ મને શ્રીમતિ વિનોદાબહેન પાસે વાત કરાવી. મેં તેમને કહ્યું કે આવા
પણ બુધ્ધિશાળી યુવાન સાથે મારે પરણવું છે. તેમણે મને તેવા પાંચ સાત યુવાનોનું લિસ્ટ આપ્યું. તેમણે જ જણાવ્યું કે B.Ed. માં પ્રથમ આવનાર આ યુવાન શ્રીમતિ રંભાબેનનો જ પુત્ર છે. ત્યારે મેં નકકી કર્યું કે તેમા જોવાનું જ ન હોય. ત્યારબાદ
પ્રમોદાબહેન તથા મારી વિદ્યાર્થીની કંકુબેન મારવાડીને લઈ મેં મારી માતા ને જણાવ્યું કે હું શ્રીમતિ રંભાબેન મહેતાના પુત્ર ભાસ્કર મહેતાને જોવા જાઉં છું.
તેમની સાથેની મુલાકાતમાં મેં લગ્નની દરખાસ્ત મુકી. પણ ભાસ્કર મહેતાએ સ્પષ્ટ જણાવ્યું કે દ્રષ્ટિવાન, દેખાડવી અને શિક્ષિત યુવતી શા માટે અંધયુવાનને પરણે? જો તમારે અન્ય સાથે પ્રેમ હોય અને કુટુંબ તે સ્વીકારતું ન હોય તો હું તેમને સંમત કરવામાં મદદ કરીશ. પણ મને પરણવાનો તમારો નિર્ણય યોગ્ય નથી.
તેના પ્રત્યુત્તરમાં મેં તેમને ત્યારે જ જણાવી દીધું કે મેં તમને અંધ છો માટે જ પસંદ કર્યા છે. આ પસંદગી પ્રમાણે તમે તૈયાર નહિ થાવ તો, હું કોઈપણ અન્ય અંધ વ્યક્તિ સાથે લગ્ન કરીશ.
અંતે... પ્રો. ભાસ્કર મહેતા સાથે જ મારા પરિણયની વાત આગળ વધી. ભાસ્કર મહેતાએ વેરાવળ જઇ તેમની માતા સાથે આ અંગે વાતચીત કરી, શ્રીમતિ રંભાબેને તે માટે હા પાડી. મારા માત-પિતાએ તથા કુટુંબીજનોએ મારી પસંદગીનો ખુબ વિરોધ કર્યો. મારા મોટા કાકા ભગતભાભાએ તો મારી અંધજનને પરણવાની તૈયારીને મારા મગજની એક ધૂન ગણાવી. તેમણે કહેલું કે જો ભવિષ્યમાં તું તારી પસંદગી માટે પસ્તાવો કરીશ તો તારા કરતાં પેલા અંધવ્યકિતનું વધુ અહિત થશે. તેની જીંદગી દોજખ બની જશે. માટે પૂરતો વિચાર કરી લગ્નનો નિર્ણય લેજે... અને જો લગ્ન કરે તો નિભાવી જાણજે.
મારા સાસુમા રંભાબેને લગ્નના આગલા દિવસે મને છેલ્લે છેલ્લે ચેતવી હતી કે અંધત્વ એ રોગ નથી, દવાથી સારૂં થશે તેમ ન માનતી, આ કાયમી ખોડ છે. જીવનભર આ ખોડ સહન કરવાની તૈયારી હોય તો જ લગ્ન કરજે... બાકી આજે ના પાડીશ તો અમે તે સ્વીકારી લઈશું.
મારો તેમની સાથે લગ્નનો નિર્ધાર મક્કમ હતો. અંધ કન્યાઓ સાથે સાત વર્ષ કામ કરવાથી મને અંધનું અંધત્વ નડતરરૂપ લાગતું નહોતું. ઈશ્વરે મારા મન અને હૃદયને તે માટે સંપુર્ણ તૈયાર કરી દીધાં હતાં. પદ્મશ્રી પ્રજ્ઞાચક્ષુ શ્રી રાજેન્દ્ર ટી. વ્યાસના મિત્ર અને ન્યાયાધીશ શ્રી વોરા સાહેબે મને પાણી પહેલાં પાળ બાંધે તે રીતે અંધ વ્યકિત સાથેના લગ્નજીવનમાં ઉદ્ભવતાં ભય સ્થાનોથી માહિતગાર કરી... લગ્ન ન કરવા ચેતવી હતી.
ભાસ્કર મહેતા સાથેની ત્રણ જ મુલાકાતો બાદ અમે 22 મે 1979 ના શુભદિને આર્ય સમાજમાં લગ્નગ્રંથિથી જોડાયાં. ઈશ્વરે અમારા બંનેના હૃદયમાં વિકલાંગોની સેવા માટેના મુકેલા આદર્શોને ચરિતાર્થ કરવાના પંથે અમે સાહચર્ય આરંભ્યું. આજદિન સુધી હું તેમની સહધર્મચારિણી બની રહી છું. તેનું ગૌરવપણ તેટલું જ છે.
મારા માતા-પિતાએ અમારા લગ્નને સહર્ષ સ્વીકાર્યા અને ભાસ્કર મહેતા સાથે લગ્નના મારા ઉદાત્ત ધ્યેયોને તેમણે સદા માન આપ્યું છે. મારૂં આ સદ્ભાગ્ય છે. મારા સસરા સ્વ. યોગેન્દ્રરાય, સાસુમા રંભાબેન અને પ્રજ્ઞાચક્ષુ દિયર ગગનભાઈ સાથે રહી અમારૂં દાંપત્યજીવન પ્રારંભાયું. મારા જેઠ વિરાટભાઈ તથા તેમના પરિવારે તથા મસ્તરામભાઈ તથા તેમના પરિવારે અમારા શરૂઆતના દાંપત્યજીવનમાં ઊલટભેર કૌટુંબિક પ્રેમ આપ્યો છે.
અમારૂં લગ્ન માંગલ્ય ધીરેધીરે કુટુંબ માંગલ્ય બન્યું. તે સમયે હું GEB ઓફિસમાં સર્વિસ કરતી હતી. કુટુંબનો તે માટે કોઈ વિરોધ નહોતો. પણ સાસુ સસરાં, દિયર સાથે રહી કૌટુંબિક જવાબદારીઓ સંભાળવા માટે સમય ઓછો પડતો હતો, ક્યારેક પતિ અને દિયર ને પડતી મુશ્કેલીઓ દૂર કરવામાં સમય અભાવે હું અસમર્થ બનતી હતી. તેથી મેં GEB ની નોકરી છોડવામાં ડહાપણ સમજ્યું, જેને કારણે અંધ વ્યકિતને પતિ તરીકે
સ્વીકારી તેની મુશ્કેલીઓ ઘટાડવાની મારી ભાવના અને ફરજ હું બજાવી શકું.
આ હતું સમજ અને ભાવના આધારિત લગ્નનું લગ્ન માંગલ્ય... જે અમારા બે ઉપરાંત કુટુંબના અન્ય સભ્યો
સુધી વિસ્તર્યું હતું.
મારે હવે દર્શાવવું છે કે લગ્ન માંગલ્ય... કેવી રીતે જીવન માંગલ્ય... જીવન સાફલ્ય તરફ મને-અમને ખેંચી ગયું.
ભાસ્કર મહેતાને સંસ્કૃતના સંખ્યાધિક અધ્યાપક તરીકે 1983 માં ઇંડર કોલેજમાં પસંદ કરવામાં આવ્યા હતા. બે બાળકો સાથે અમે હવે, ઈડરમાં રહેવા આવ્યા. ઉનાળાની એક બપોરે પોતાના ઉઘાડપગાં અંધ બાળકનો હાથ પકડી એક વ્યકિતને મેં મારા ઘર પાસેથી જતો જોયો અને હૃદય સંવેદના જાગીકે અંધ વ્યકિતઓ માટે અહીં - સાબરકાંઠામાં શા માટે કામ શરૂ ન કરવું? તે વ્યકિતને ઘરમાં બોલાવી અને વાતચીતમાં જાણ્યું કે સાબરકાંઠાની શાળાઓમાં અંધ વિદ્યાર્થીને શિક્ષણ માટે પ્રવેશ આપવામાં આવતો નથી.
અમે બંનેએ આ પડકાર ઉપાડયો. આ અંગે કાર્યવાહી શરૂ કરી શ્રી જે. બી. પટેલ, શ્રી અંબાલાલ પ્રજાપતિ,
શ્રી જે. જે. શાહ વિગેરે સાથે મળીને એન. એ. બી. ઈડર શાખાની 7- આનંદનગર સોસાયટીના અમારા નાના મકાનમાં શરૂઆત કરી. અમે બે અને અમારા ત્રણ બાળકો સાથે, સંસ્થા ચલાવવાનું મુશ્કેલ હતું. પણ સંસ્થા માટે ભાડાનું મકાન રાખવાની આર્થિક સ્થિતિ નહોતી.
પણ, અંધજનો અને વિકલાંગ વ્યકિતઓની સેવાના ક્ષેત્રમાં અમારૂં જીવન સાફલ્ય ઈશ્વરે નક્કી કર્યું જ હશે... તેથી મુશ્કેલીઓ છતાં સંસ્થા ઘરમાંથી ભાડાના બે વિશાળ મકાન સુધી અને વિવિધ અઢાર પ્રોજેકટો સાથે વટવૃક્ષની જેમ વિસ્તરી છે. અમારા બંનેના જીવનનાં સેવાનાં ધ્યેયો ચરિતાર્થ થઈ રહ્યાં છે તેનો સંતોષ છે. સમયને અદ્રશ્ય પાંખો હોય છે. સમય સાથે મારા બાળકો મનન, ઝરમર અને હર્ષ મોટાં થયાં, તેમનું શિક્ષણ અને અન્ય જવાબદારીઓ તેઓ જાતે ઉપાડતાં થવા લાગ્યા. ગુહિણી તરીકે હવે મારી પાસે ફાજલ સમય હતો. મેં મારા પતિને જણાવ્યું કે હવે આ સેવાક્ષેત્રમાં મારે પૂર્ણ સમય કામ કરવાની ઈચ્છા છે. મારો તે માટે વિકલાંગ-અંધ કન્યાઓની હોસ્ટેલ ચાલુ કરવાનો પ્રસ્તાવ તેમણે સહર્ષ અને શરત સાથે સ્વીકાર્યો. શરત એ હતી કે ફન્ડ રેઈજીંગ પ્રોગ્રામમાં ફ્લેગ ડે દિવસોએ માટે જોડાવવું પડશે, હોસ્ટેલમાં રહેતી કન્યાઓને મારે પૂર્ણ સ્વરૂપે તૈયાર કરવાની રહેશે. મારા માટે આ શરત ગમતી શરત હતી. ત્યારથી કન્યાઓની હોસ્ટેલની જવાબદારી હું સંભાળું છું અને ભાસ્કર મહેતા કાર્યાલયની અને બહારની જવાબદારીઓ સંભાળે છે.
વિકલાંગ-અંધજન સેવાના કાર્યોનું અમારૂં ધ્યેય સમાન છે. મહદઅંશે અમે અન્યોન્ય પૂરક બની ફરજો બજાવીએ છીએ. જ્યારે કોઈ મતભેદ ઊભો થાય... તો સમજણપૂર્વક મતભેદ ઉકેલીએ છીએ. મતભેદ-મનભેદ ન બને તેનું ધ્યાન અમે રાખીએ છીએ.
પરિણામ પણ ઉત્તમ મલ્યાં છે. એન. એ. બી. ની ઈડર શાખા ભૌતિક દ્રષ્ટિએ બે વિશાળ ભાડાના મકાનમાં વિસ્તાર પામી છે, તો ઉત્કૃષ્ટ પરિણામોની દ્રષ્ટિએ શ્રેષ્ઠ પરિણામો પણ મલ્યાં છે. કાર્યાલયના અને ફિલ્ડવર્કના લાગણીસભર, મહેનતું અન્ય કર્મચારીઓનું યોગદાન પણ તેટલું જ મહત્વનું છે. અંધ વિદ્યાર્થીનીઓ માટે હોમ સાયન્સ સેન્ટર શરૂ કર્યું. તેઓ તેમની રસોઈ ત્યાં જાતે જ બનાવે છે, નવું નવું શીખે છે, વાસણો-કપડાં સફાઈ જાતે કરે છે. તેમને જાતીય શિક્ષણ પણ આપવામાં આવે છે. તેમના વોટર પાર્ક સહેલ કે પર્વતારોહણ જેવાં કાર્યક્રમો, વિવિધ પ્રવાસો, રમતોત્સવો, ગરબા સ્પર્ધા, ક્રિકેટ, બ્રેલરિડીંગ
- રાઈટીંગ સ્પર્ધા, સાડી પરિધાન, વાનગી સ્પર્ધા વિગેરેમાં ઈડરની આ કન્યાઓએ ડંકો વગાડયો છે.
વળી, સંકલિત શિક્ષણના અંધ, મંદબુધ્ધિ, બહેરામુંગા, સી. પી., બહુ વિકલાંગ બાળકોના શિક્ષણ સુધારણા માટે
વિવિધ શૈક્ષણિક કેમ્પનું આયોજન કરી તેમની ગુણવત્તા, સુધારતા માટે પ્રવાસી અધ્યાપકોના સહકારથી આ સંસ્થાને ગુજરાતમાં અગ્રહરોળમાં અમે સૌ મુકી શકયા છીએ. જી. સી. ઈ. આર. ટી. ગુજ. સરકારે પણ મારી ગુણવત્તા, સુધારણા તથા મૂલ્યાંકન કમિટિમાં નિમણૂંક કરી મારા કામને પ્રોત્સાહન આપ્યું હતું. ભાસ્કર મહેતાના માર્ગદર્શન અને સહાય વિના આ સફળતા શક્ય નહોતી જ.
વિકલાંગ અને અંધજનોના વિવિધ પ્રોજેક્ટો અને કામો માટે રાજ્યના વિવિધ શહેરો-નગરોમાં કે દિલ્હી, બેંગ્લોર, મુંબઈ, દેવબાલી, જયપુર જેવા શહેરોમાં વિદેશમાં શ્રીલંકાના કોલંબો અને બાંગ્લાદેશના ઢાકામાં પરિષદોમાં ક્યારેક અમો પતિ-પત્ની સાથે જતાં તો ક્યારેક અલગ અલગ. ભારકર મહેતા સાથે આ કાર્યો માટે સાથે જવાનું થતું ત્યારે તેમને નજીકથી આટલા વિશાળ કાર્યક્ષેત્રમાં કામ કરતા નિહાળી આનંદ થતો. વળી કશુંક નવું શીખવા મળતું આ બધા કાર્યોમાં સાથી બની ત્યારે નમ્રતા સાથે કહું તો હું ક્યારેક તેમની આંખની દ્રષ્ટિ બની હતી. તો ક્યારેક સંસ્થાની હું આંખ બની હતી. ભાસ્કર મહેતા... નામ પ્રમાણે ભાસ્કર છે. તેમને વિચારવા માટે આ કાર્યક્ષેત્રમાં... આંખ કે પાંખની જરૂર જ નથી. ભાસ્કર... વિશાળ ગગનમાં
પોતાનો નિશ્ચિત પથ રાખે જ છે.
ભાસ્કર મહેતા જ્યારે કાર્યાલયમાં ફરજ પર હોય ત્યારે સંસ્થાના વહિવટકર્તા વિશેષ બની રહે છે. મારા નાના પુત્ર હર્ષ ને નવોદય વિદ્યાલય, ધનસુરા અભ્યાસ માટે મુક્યો હતો. તેના માટે નાસ્તો આપવા જવું જરૂરી હતું. પણ બ્રીજકોર્ષ ચાલુ હતો. મને તેમણે કહ્યું કે જવું હોય તો રજા મળશે પણ કોર્ષ અંગેનું પ્રમાણપત્ર નહીં મળે. અહીં હર્ષના તેઓ પિતા હતા... તે વિસરી વહીવટકર્તાની ફરજ નિભાવે છે.
તેમના સહકાર્યકર તરીકે આટલા વર્ષો મેં કામ કરતાં મને તેમના સ્વભાવના ઘણાં પાસાં અનુભવવા મલ્યાં. વજ્ર થી કઠોર અને કુસુમથી કોમળ... તેમનો સ્વભાવ છે. કઠોર નિર્ણય લેતા તે અચકાતા નથી, તો ક્યારેક નિયમોને કોરાણે મુકી વિકલાંગ કાર્ય ઉપાડી લે છે, તેટલા તે ભાવુક પણ છે. તેમનામાં વિદ્વતા, ત્વરિત નિર્ણય શક્તિ, નિયમોની ઊંડી જાણકારી, સખત મહેનત કરવાની તમન્ના, સહાનુભૂતિ, ઉદારતા જેવા ગુણો ભારોભાર ઈશ્વરે આપ્યાં છે. તેમના સ્વભાવની મર્યાદા પણ છે. તેઓ ક્યારેક હઠાગ્રહી બની જાય છે, તો ક્યારેક અતિ ઉગ્ર. ગુણ-અવગુણ એ મનુષ્ય સાથે જોડાયેલ હકીકત છે. વિકલાંગોના કામો, સેમિનારો, અન્ય સંસ્થાનો પ્રારંભ કરવામાં, તેમને પાયાની સગવડો પૂરી પાડવામાં તેમણે ક્યારેક કુટુંબ કે બાળકોની ઉપેક્ષા કરી
રાતદિન પરિશ્રમ કર્યો છે. અધ્યાપક તરીકે સંપૂર્ણ ફરજ પાલન કરેલ છે તથા વિદ્યાર્થીની કાળજી તેમણે લીધેલ છે. તેમને મળતાં વેકેશનો, જાહેર રજાઓ અને રવિવારો તેમણે સંસ્થાના વિકાસમાં ઉપયોગમાં લીધા છે. મોટાભાગના તેમના રવિવારો એસ. ટી. બસના પ્રવાસોમાં ઉપયોગમાં લેવાયાં છે.
અંધજનો અને વિકલાંગોની સેવાક્ષેત્રના તેમના 25 વર્ષના સુદીર્ઘ સેવાકાર્યની નોંધ સરકારશ્રીએ લીધી
અને તેમની લાયકાતને ધ્યાનમાં રાખી તેમને વિકલાંગ વ્યકિતઓના કમિશ્નર પદે નિમણૂંક આપી.
સેવાકાર્યક્ષેત્રમાં સફળ મારા પતિની આ સફળતાએ પત્ની તરીકે મને, મારા બાળકોને, સહકાર્યકરોને, મિત્રોને, પડોશીઓને ખૂબ રોમાંચિત કરી દીધાં. તેમની પ્રોફેસરથી કમિશ્નર સુધીની પ્રગતિ અમારા માટે ગૌરવપ્રદ બની રહી.
વિકલાંગ કમિશ્નર તરીકે તેમણે દ્રષ્ટિસભર વહિવટ કર્યો અને વિકલાંગોની સેવાના કાર્યોની ક્ષિતિજો વધારી દીધી. તેમની માતાએ સેવાના ગુણો વારસામાં આપ્યાં છે. તેનો તેમણે આ પદે રહી પૂરેપૂરો ઉપયોગ કરી આ પદનું ગૌરવ વધાર્યું. તેમની સહધર્મચારિણી તરીકે હું તેમની સાથે રહી દ્રષ્ટિરૂપી મદદ કરી મને તેનું ગૌરવ છે. પદની મુદત પૂર્ણ થતાં તેઓ આજે પુનઃઅધ્યાપક તરીકે અને અંધજનોના સેવક તરીકે તેમની સેવા આપે છે.
પરમકૃપાળુ પરમાત્માની અસીમકૃપાથી આજે 90 વર્ષના મારા સાસુ રંભાબેન, મારા સંતાનો અને એક પૌત્રી,
દોહીત્રી સાથે અમારૂં કુટુંબ ખુબ સુખી છે.
પ્રચાર પ્રસાર માધ્યમોથી અમે દૂર જ રહ્યાં છીએ. અમારે પ્રસિદ્ધિ નહિ, પણ સેવા ની જરૂર હતી અને છે. પણ મારા પતિની ષષ્ઠીપૂર્તિ પ્રસંગે લેખ માટે નિમંત્રણ મળતા તેમના કાર્યને, તેમની સેવા ભાવનાને, તેમના પરિશ્રમને, તેમની પ્રગતિને શબ્દ દેહ આપવાની મને તક મળી છે. આ બધી બાબતો હું આ લેખથી ઉજાગર કરી શકી હોઉં તો મને આનંદ થશે.
વિકલાંગો-અંધજનોના સેવાક્ષેત્રમાં કોઈ ક્ષિતિજો નથી, અસીમ ક્ષેત્ર છે. જે કોઈ કાર્યકર તેમાં તેની શક્તિ કામે
લગાડે તેનું... તેના કાર્યપ્રદાનને લક્ષમાં રાખી બહુમાન થાય તે આવશ્યક છે. સમાજ આ રીતે આવા સેવકોના કાર્યોની નોંધ લઈ પ્રોત્સાહન પૂરું પાડે છે.