પૂર્વસૂરિઓનું વિધાન છે કે पुत्रात् शिष्यात् पराजयम् હું ખૂબ નસીબદાર છું કે મને આ વિધાન મારા જીવનમાં સાર્થક થતું જોવા મળ્યું. શિષ્ય પાસેથી પરાજ્ય ઈચ્છવો જોઈએ. આ યોગ્ય છે? આ વિચારનો ઉત્તર એટેલ ભા સમાન રમ્યકૃતિ કરનાર ભાસ્કર.
સેન્ટ જેવિયર્સ કૉલેજમાં એસ.એસ.સી.નું પરિણામ આવે પછી પ્રવેશ માટે ભીડ જામે. ઓફિસના બારણે અનેક
વિદ્યાર્થીઓ પોત પોતાના સહાયકો સાથે આગળ વધવા ધસારો કરે વિદ્યાર્થીઓનું જાણે પૂર...
હું ત્યાં ફરજ ઉપર. મે એક પ્રજ્ઞાચક્ષુ (હું અંધ શબ્દને ધિક્કાર છું અને નેત્રહીનો માટે જ એ વપરાય તે ખોટું છે કરણ બન્ને આંખો સાજીસમ હોય તો પણ “જીવનમાં જોવા જેવું નહીં જોનારા અનેક આંધળા ‘આનાના આઠ’ ના ભાવે મળી આવે છે.”) ત્યાં ટોળામાં જોયો હું આગળ વધ્યો એને મદદ કરવા અને મને મળી ગયો ‘મારો ભાસ્કર’, ‘પ્રથમ દર્શને પ્રેમ જાગે’ મે એને જોયો એણે મને જોયો હશે એના પ્રજ્ઞાનેત્રથી. આ હતી પ્રથમ મુલાકાત.
પ્રવેશ મળ્યો, ભણવા –ભણાવવાનું રોજીદું. કામ ચાલ્યું. પરિચય વધ્યો, વિરાટભાઈ મારા મામાની દિકરીના પતિશ્રી વિનોદભાઈ સાથે કામ કરનાર. એ કડીથી ધીમે ધીમે કૌટુંબિક સંબંધ વધ્યો. વધતો રહ્યો, વધી રહ્યો છે અને વધતો જ રહેશે. ગંગાનો પવિત્ર પ્રવાહ ક્યારેય આગળ વધવાનું નિવારી શકે ખરો?
ભણવામાં તેજસ્વી ભાસ્કરે મને સવિશેષ આવકાર્યો. સ્મૃતિ ધારેધાર, કિંમત અભૂતપૂર્વ, કોઈપણ કામ માટે બે આંખો વાળા કરતાં પણ વધુ ઉત્સાહ, વળી હળીમળીને રહેવાની વૃત્તિ પણ દાદ માગી લે તેવી. વિદ્યાર્થી તરીકે ચબરાક પણ ખરો, હજુ પણ કાનમાં કહું તો એ બાબતમાં મોટો થયો નથી, ખોટો પણ થયો નથી. પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય એ કહેવતનું ભાસ્કર ઉત્તમ ઉદાહરણ છે.
બી. એ. માં પ્રથમ કક્ષા એ પણ વિશિષ્ટ ગુણવત્તા સાથે એમ. એ. માં પુરાણશાસ્ત્રમાં એકમાત્ર વિદ્યાર્થી જેવો
‘સાહેબ, આપણે મૂળગ્રંથ શબ્દશઃ સાથે વાંચીએ. પરીક્ષાનું તો હું મારી રીતે તૈયાર કરી લઈશ.’ એના અભ્યાસક્રમમાં શ્રીમદ્ ભાગવત મહાપુરાણના 6 થી 12 સ્કંધ હતા. અમે અનેક અધ્યાયો વાંચ્યા. પરીક્ષા માટે નહી પણ ભણવા માટે ભણવું. આવી ભાવનાવાળો ભાસ્કર ‘પ્રિય શિષ્ય’ બને તેમાં નવાઈ જ કેવી? સાહેબ! પેલા કાવ્ય શાસ્ત્રના સાહેબ મને જ્યારે મળે ત્યારે पुराणम् इति रग्व न साधु सर्वम् (પુરાણ એટલે એ બધુ સારૂ નહી) એવું વારંવાર કહે છે અને પછી હસે છે. એકવાર ભાસ્કર ઉવાચ.
મે કહ્યું તારે रण्डीगीतानी काव्यनी ‘કાવ્ય તો રાંડી રાંડ વાંચે’ (સંસ્કૃતમાં વિદ્વાનોમાં માન્યતા છે કે શાસ્ત્ર ભલે પછી એ પુરાણશાસ્ત્ર હોય, વિદ્વાનો કે બુદ્ધિમાનો ભણે બાકી કાવ્ય તો રાંડી રાંડનો વિષય હોય) બસ! પેલા સાહેબે બીજીવાર લોબીમાં पुराण मित्येव न साधु सर्वम्। હું છું કે તરત સામે ગોળીબાર કરતો હોય તેમ ભાસ્કર બોલી ગયો. रण्डीगीतानी काव्यनी। બસ પછી પેલા મહાશય ‘પુરાણ’ ને નીચું પાડવાના પ્રયત્નો છોડી દીધા.
એકવાર મારી પત્નીએ ભાસ્કરને પૂછેલું અલ્યા! તું ગમે તેને ગમે તેવું કહી દે છે કે તને એમ નથી થતું કે સાંભળનારને શું થતું હશે!
‘મને જે સાચું લાગે તે હું કહી દઉં પછી એને શું થાય તે મારે ક્યાં જોવાનું છે’? બીજો સંવાદ ‘અલ્યા! તને આંખો નથી અને આટલું બધું કર્યું છે અને જો તારે આંખો હોત તો તું શું શું ના કરત?’
ઉત્તરમાં નિખાલસ થઈ ભાસ્કર બોલ્યો! કદાચ હું આમાંનુ કાંઈ જ ન કરી શક્યો હોત!
ભાસ્કરે પોતાની પ્રજ્ઞાચક્ષુતાને શાપ નહી પણ આશીર્વાદ તરીકે વધાવી છે. પરિણામે એ એવી દેખાતી વિકલાંગતાને પાછળ પાડીને સતત આગળ વધતો જાય છે. આ એના જીવનની સિદ્ધિમાં અગત્યનું પરિબળ છે. દુર્ગુણને ગુણ બનાવવાની શિવ દ્રષ્ટિ, શિવશક્તિ કે શિવ સંકલ્પ એટલે ભાસ્કર!
એમ. એ. માં ભાસ્કર વિશેષ યોગ્યતા સાથે ઉત્તીર્ણ થયો. હવે પ્રશ્ન ક્યાંક જોડાવવાનો, સેવા આપવાનો અને કુટુંબને બે પૈસે સદ્ધર કરવાનો. મને પણ એની અધ્યયન, તેજસ્વિતા સ્પર્શી ગઈ હતી. વળી જોગાનુજોગ મારા સંસ્કૃત વિભાગમાં નવી નિમણૂંકની આવશ્યકતા પણ હતી.
મારે અને તત્કાલીન આચાર્યશ્રી બ્રિગાન્જા સાતે વાર્તાલાપ થયો ‘ફાધર’ આપણે જે પ્રકારના વિદ્વાન અને વિષયમાં સાયા અર્થમાં વિદ્યાર્થીની વિદ્યાનો અર્થી હોય તેની આવશ્યકતા છે તે બધા ગુણો ભાસ્કરમાં છે. આપણે તેને અધ્યાપક તરીકે તક આપીએ તો કેવું? પણ ગૌતમભાઈ એ પ્રજ્ઞાચક્ષુ છે. એ કેવી રીતે આ કામ કરી શકશે?
Father! get in name of chrichanity we will not help him than who is going to help him? (ઘણીવાર આવું અત્યંત જરૂરી વિધાન અચાનક મારા મુખમાંથી કોક બોલાવે છે. આ ગુરૂકૃપા જ કહેવાય.) તરત જ આચાર્યથી બોલ્યા... “Allright, Gautam. I appoint him.”
અહીં ગૌરવપૂર્વક નોંધવુ ગમે કે આ ક્રિશ્ચિયન સંસ્થામાં ક્રિશ્ચિયાની “ટીના” માનવતાપૂર્ણ ઔદર્ય ભાવવાળા અનેક પ્રસંગોનો હું સાક્ષી છું અને એને હું મારી ધન્યતા તરીકે બિરદાવું છું.
ખેર! ભાસ્કરે મારા વિશ્વાસને સાર્થક કર્યો. એ એવો તો સફળ થયો કે મારા અને અન્ય વિષયોના કેટલાય
અધ્યાપકોની આંખોનો કણો બની ગયો. ફાજલ બનીને એને જવું પડયું પછી તો ઇંડરની કોલેજની એની સિદ્ધિનો અંધજન મંડળની સેવાઓ કે ગુજરાત રાજ્યના વિકલાંગ કમિશ્નર તરીકેની એની કારકિર્દીનો ઈતિહાસ જવલંત છે. સિદ્ધિના મહાવૃક્ષના ભાસ્કરના મૂળમાં એક બાજુ એની માતાની મમતાના અમૃતજળનું સિંચન છે તો બીજી બાજું એની માતૃભક્તિ એ સૂર્યપ્રકાશ જેવું કામ આપ્યું છે. એનું કૌટુંબિક વાત્સલ્ય પણ નોધવા જેવું છે. આગળ વધો come what my-આવી એક વખતના અત્યંત સફળ પણ અલ્પજીવી વડાપ્રધાન શ્રી લાલબહાદૂર શાસ્ત્રી જેવી ભાવના હૃદયમાં ધારતો હોવાથી મારો અતિ પ્રિય “ગધેડો” (એને જાહેરમાં પણ આવું કહેવાનો અધિકાર એણે જ બક્ષ્યો છે. નહી તો કોની મઝાલ છે ભાસ્કરને.....)
સદાય આગળ વધતો રહ્યો છે અને વધશે...
મને રાષ્ટ્રપતિનો પુરસ્કાર મળ્યો ત્યારે એણે કરેલું આયોજન કે હું સંસ્કૃત સાહિત્ય અકાદમીમાં અધ્યક્ષ હતો ત્યારે તેણે યોજેલા પરિસંવાદો એની આયોજન શક્તિ નાયગ્રાના ધોધ જેવી છે એના સાક્ષીઓ છે.
મારા સદ્ગુરૂદેવ ભગવાન સ્વામી શ્રી ગંગેશ્વરાનંદજી મહારાજે નાની છ વયની વચમાં બન્ને આંખો ગુમાવી હતી. તેઓ ખૂબજ ‘कोपोडपि देवस्य वरेणतुल्य’ -ઈશ્વરનો કોપ પણ વરદાન સમાન છે એ વાત મને ચિ. ભાસ્કરના જીવનમાં સાર્થક થતી જોઈ તેનો આનંદ છે.
મેં ભાસ્કરને સંસ્કૃતમાં પીએચ. ડી. થાય અને પછી સંસ્કૃત સાહિત્યનો મર્મજ્ઞ વિદ્વાન થાય તેવી આશા સેવી હતી પણ આજ એની ‘જીવન લીલા’ અને ‘જીવન સિદ્ધિ’ જોતાં મારી આશા ફળે નહીં તેનું દુઃખ નહીં પણ સુખ છે. કારણ એક યા બીજા અર્થમાં એણે પ્રજ્ઞાચક્ષુ સમાજની જે સેવા કરી તે મારે માટે મારા પ્રજ્ઞાચક્ષુ સદ્ગુરૂદેવની સેવા બરાબર છે.
પ્રભુ! મારા ભાસ્કરને દિવસે બમણી અને રાત્રે ચારગણી શક્તિ અને ભક્તિ આપજે જેથી એણે જે કર્યું છે તેનાથી વધુ સારૂ કરે અને એ મારાથી આગળ વધ્યો છે એવી પરાજ્યની ભાવના અપાવે. જેથી ગૌરવપૂર્વક હું કહી શકું. शिष्यात् –પ્રિય शिष्यात् अपि पराजयम्!
અલબત્ત! આ ચિ. ભાસ્કરની ગુરૂ ભક્તિ મને અને મારી પત્નીને સ્પર્શી ગઇ છે. એને જેવી ગાંધીનગરમાં ડીઝેબલ કમિશ્નરની પદવી મળતાં ડ્રાઈવર સાથેની ઉપર લાલબત્તીવાળી ગાડી મળી કે સૌથી પહેલો એ ગાંધીનગરથી સીધો એમાં બેસીને મારા ઘરે પગે લાગવા આવ્યો. આ પ્રસંગને મારી પત્નીએ ભાવપૂર્વક અનેક સ્થળે મારી હાજરીમાં કે ગેરહાજરી વાગોળ્યો છે. અનેકને કહી બતાવ્યો છે.
અમને ભાસ્કરે જ નહીં, એની પત્ની, માતા, એના ભાઈઓ કે ભાઈઓની પત્નીઓ અને સંતાનોએ પણ જે આપ્યો છે એ બેનમૂન છે. એના પરના કોઈપણ શુભ પ્રસંગે સૌ કોઈ અમને પ્રેમથી આવકારે છે. એક સત્ય શિષ્ય પાસેથી નિર્વ્યાજ પ્રેમ સિવાય ગુરૂ ઈચ્છી પણ શું શકે?
ચિ. ભાસ્કરના જીવનની સિદ્ધિઓમાં એની અર્ધાંગિની અર્ધી નહી પણ સવાઈ સાબિત થઈ છે. ‘ભામતી વિના વાચસ્પતિ ન સર્જાય’ તેનું એ જીવંત ઉદાહરણ છે. પ્રભુ ભાસ્કરને તેની માતા, પત્ની, ભાઈઓ, ભાભીઓ અને વધીને વટવૃક્ષ બનેલા સમગ્ર કુટુંબને સુખી રાખે.