ગુજરાત સરકારમાં IAS કેડરની જગ્યા પર વિકલાંગ વ્યકિતઓના કમિશ્નર તરીકે ત્રણ વર્ષ સુધી સફળતાપૂર્વક ફરજ બજાવી ચૂકેલા પ્રો. ભાસ્કર મહેતાના નામથી કોણ અજાણ છે?
આજે આ સ્તરે પહોંચવાની જવલંત સિધ્ધિની ભીતરમાં પડેલા પરિશ્રમ રૂપી પારસમણિનો સ્પર્શ થતાં તેમનું જીવન તો ધન્ય બની ગયું. પરંતુ સાથે સાથે વિકલાંગોના જીવનપથને પણ ઉજજવલિત કરવાનું સામર્થ્ય તેમણે પ્રાપ્ત કર્યું.
મધ્યમવર્ગીય પ્રતિષ્ઠિત નાગર પરિવારમાં તા. 22-9-1950માં ત્રીજા ક્રમે જન્મેલા ભાસ્કરનું ભાવિ બાહ્ય રીતે અંધારપટની કાલિમાથી ઘેરાયેલું હતું. આમ છતાં જ્ઞાન રૂપી અંતરના ઉજાસથી અનેકના જીવનમાં પ્રકાશપુંજ પાથરનારું બની રહેશે તેવો તે સમયે કોઇને લગીરે ય ખ્યાલ ન હતો.
લઘુબંધુ ગગનવિહારી પણ નયનવિહિન જન્મ્યા. માતા રંભાબેન અને પિતા યોગેન્દ્રરાયના સંતાપનો કોઇ પાર ન રહ્યો. મોટાભાઇઓ-મસ્તરામ અને વિરાટના ખભે બે ક્ષતિગ્રસ્ત ભાઇઓની પરવરિશની જવાબદારી નિશ્ચિત હતી. પરંતુ વાત્સલ્યમૂર્તિ માતા રંભાબેન અને પ્રેમાળ પિતા યોગેન્દ્રરાય નિરાશ ન થયા. તેમણે આ સંતાનોને શિક્ષણ આપીને સન્માનનીય સ્વાવલંબી ભવિષ્ય માટે સુસજજ કરવા જાણે કે ભેખ લીધો! બંને પ્રજ્ઞાચક્ષુ બંધુઓની ભણવા માટેની ઘગશ, તેજસ્થિતા અને ઉત્સાહ પણ અનેરાં હતાં. મા-બાપના સંયુકત પ્રયાસોથી તેઓ સુશિક્ષિત બન્યા અને પુનર્વસનની દિશામાં આગળ વધ્યા.
આમ, આ બંધુબેલડું માર્ગે ચડયું, રસ્તામાં આવતાં અવરોધો, વિઘ્ન, સંધર્ષો અને વિટંબણાઓને ઓળંગી-બાજુએ મૂકી લક્ષ્યાંક ને આંબવામાં ખરું ઉતર્યુ.
ભાસ્કર સાથેના પ્રથમ પરિચયની વાત કરું તો ઇ.સ. 1969 ના વર્ષમાં શિયાળાની એક ઢળતી સાંજે, અમે કુટુંબના સૌ સભ્યો તાપણાં ફરતે બેઠાં હતા, તેવામાં મારો નાનોભાઇ રાજેન્દ્ર એકાએક બોલ્યો, “બાપુજી, મારા વર્ગમાં મોટાભાઇ જેવા જ એક વિદ્યાર્થી છે. તે હંમેશા પહેલી પાટલી ઉપર જ બેસે. વર્ગમાં શિક્ષકના પ્રશ્નોનો તરત જ જવાબ આપે. અમારો વારો તો આવે જ નહીં. અવાજ ખૂબ મોટો. આખા વર્ગમાં ચોખ્ખું, સ્પષ્ટ અને વ્યવસ્થિત સંભળાય તેવો.”
મિત્રો! તમે જાણો છો આ તેજસ્વી વિદ્યાર્થી બીજું કોઇ નહીં પણ આજનો આપણો ભાસ્કર મહેતા.
તેમણે પ્રાથમિક અને માધ્યમિક અભ્યાસ નેત્રહીન બાળકોની વિશિષ્ટ સંસ્થાઓમાં અને સનેત્ર બાળકોની સામાન્ય શાળાઓમાં સંપન્ન કર્યો. જ્યાં જે સારું લાગ્યું ત્યાંથી તે ગ્રહણ કર્યુ અને જીવનમાં ઉતાર્યુ.
1960 ના દશકામાં મુંબઇ સ્થિત વિકટોરીયા મેમોરીયલ સ્કૂલ ફોર ધ બ્લાઇન્ડ ખાતે બ્લાઇન્ડ મેન્સ એસોસીએશન દ્વારા પ્રતિવર્ષ યોજાતી બ્રેલ વાચન સ્પર્ધામાં ભાસ્કર હંમેશા અગ્રસ્થાને રહેતો. સ્પર્ધાઓ ગમે તે ભાષાની કેમ ન હોય, તેની ભાષાશુદ્ધિ, વિરામ ચિન્હોને મળતો ન્યાય, યોગ્ય જગ્યાએ શબ્દોને અપાતું વજન અને અસ્ખલિત ભાવવાહી વાચન શૈલી હર કોઇને પ્રભાવિત કરી જતી.
આમ, સમયના પ્રવાહ સાથે તાલ મિલાવતા તેઓ M.A. B.ed. L.L.B. થયા. ત્યારબાદ વ્યાખ્યાતા તરીકેની તેમની વ્યાવસાયિક કારકીર્દિ શરું થઇ. વક્તા તરીકે તેમને પ્રથમ શ્રેણીમાં મૂકી શકાય. તેમનાં મુખેથી સરતા શબ્દોની ગૂંથણી કરીએ તો ભાષાની રંગોળી રચાય. વિદ્યાર્થીઓને ભણાવવાની તેમની કાર્યદક્ષતા પણ અનોખી. વ્યાખ્યાન દરમિયાન સંસ્કૃત જેવા કઠિન વિષયને પણ પોતાની રમુજી શૈલીથી દાખલા-દ્રષ્ટાંતો ટાંકીને વિદ્યાર્થીઓના માનસપટ પર સ્પષ્ટ ચિત્ર અંકિત કરી દે!
અઘ્યાપન કાર્ય સિવાય પ્રસંગોએ પણ ગુજરાતી, હિન્દી કે અંગ્રેજી ભાષાના પ્રવચનોમાં તેમનું ઉચ્ચકોટિનું ભાષાકીય પ્રભુત્વ દેખાઇ આવે. વાંચ્યા વિના તેમની વૈચારિક અભિવ્યકિત છટાદાર વાણી શ્રોતાગણને મુગ્ધ કરે. પોતાની વાત અને વિચારોને અન્યના મન-મસ્તિષ્કમાં ઉતારવાથી કળા પણ એટલી જ અદ્ભુત!
પોતાનાં વ્યકિતત્વના સંતુલિત વિકાસ સાથે અન્ય સમદુઃખીઓના કલ્યાણની પ્રવૃતિઓને પણ તેમણે અગ્રસ્થાન આપ્યું. NAB સાબરકાંઠા જિલ્લા શાખાના માધ્યમ દ્વારા નેત્રહીનોના સર્વગ્રાહી વિકાસની કામગીરી બજાવીને NAB (I), NFB, AICB, NAIB અને BPA જેવી રાષ્ટ્રીયસંસ્થાઓ સુધી પોતાની જ્ઞાનક્ષિતિજો વિસ્તરી-આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નેત્રહીનો તથા વિકલાંગોના ઉતષ્કર્ષમાં હંમેશાં કેન્દ્રસ્થાને રહીને અનેક વિકલાંગોના પથપ્રદર્શક બનવાનું સદ્ભાગ્ય પ્રામ કર્યું. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્યપદે રહીને જે તે સમયે પ્રવર્તતા શિક્ષણના પ્રવાહોમાં ક્રાન્તિકારી સુધારા સૂચવવાની દિશામાં તેમનું પ્રદાન પ્રશંસનીય રહ્યું છે.
તેમણે દેશ-વિદેશમાં યોજાતા શિબિરો, પરિસંવાદો, કાર્યશાળાઓ, ચર્ચાસભાઓ તથા પરિષદોમાં નેત્રહીનો તથા વિકલાંગોના સંખ્યાબંધ પ્રશ્નો અને સમસ્યાઓને સ્પર્શતા શોધપત્રો રજૂ કર્યાં છે. ક્ષેત્રનિષ્ણાંતોને વિષયવસ્તુની સંપૂર્ણ સમજ મળે તેવા તેમના પ્રયત્નો અને ચોટદાર રજૂઆત ધ્યાનખેંચે તેવાં રહ્યાં છે.
1995 ના વિકલાંગ ધારામાં ક્ષતિગ્રસ્ત વ્યકિતઓને સમાનતક અધિકારોનું રક્ષણ અને સંપૂર્ણ સહભાગીતા વિષે જે જોગવાઇઓ કરવામાં આવી છે તેનાં તેઓ તલસ્પર્શી અભ્યાસુ રહયા છે. ધારાકીય દ્રષ્ટિએ કરવામાં આવેલી વિવિધ વ્યવસ્થાઓનો ભિન્ન સ્તરે અમલ થાય તેનાં તેઓ સદા આગ્રહી રહ્યાં છે.
શ્રી ભાસ્કરભાઇની સામાજિક કારકિર્દી જોયા પછી તેમનાં દામ્પત્ય જીવનમાં ડોકિયું કરીએ તો તેમની સાંસારિક જીવનયાત્રા પણ એટલી જ સરળ અને સફળ રહી છે. સ્વભાવે સંવેદનશીલ અને સુશિક્ષિત પ્રવીણાબેન સાથે તેમનાં લગ્ન 1979 માં થયાં હતાં. તેઓ પણ વિકલાંગોના ક્ષેત્રમાં સક્રિય રહી, ત્રણેય સંતાનોમાં ઉચ્ચ શિક્ષણ અને સંસ્કારોનું ઘડતર કરી, એક સફળ માતા અને સહધર્મચારિણી તરીકેનું ઉત્તરદાયિત્વ નિભાવી રહયાં છે. આજે તેમની પુત્રી સૌ.ઝરમર વિદેશમાં તેનાં સંસારમાં વ્યસ્ત છે. તો
બંને પુત્રરત્નો મનન તથા હર્ષ પોતપોતાનાં પરિવારમાં સુવ્યવસ્થિત રીતે ગોઠવાયેલા છે. આનાથી વિશેષ આનંદ બીજુ શું હોઇ શકે?
શ્રી ભાસ્કરભાઇના વ્યકિતત્વની એક વિશિષ્ટતા એ છે કે તેઓ નાનામાં નાના, નિમ્નસ્તરનાં કે કોઇપણ પ્રકારનાં વિકલાંગોને ખૂબ જ રસ, ધીરજ અને તત્પરતાથી સાંભળે અને તેમને સમજવાનો સમજાવવાનો નમ્ર પ્રયાસ કરે. તેમને યથોચિત મળે તે જોવા તેઓ હંમેશાં ઉત્સુક રહે.
આ છે તેમનાં સંતુલિત વ્યકિતત્વનું એક પાસું તેમની આ સમજણે જ તેમને વિકલાંગોના ક્ષેત્રનાં પ્રિયપાત્ર બનાવ્યા છે.
આવા બહુમુખી પ્રતિભાશાળી માનવને જગતનિયતા નિરામયી અને દીધાર્યુ જીવન બને તેવી અભ્યર્થનાં!