પ્રિન્ટ ડીસેબલ ડીજીટલ લાયબ્રેરી

આજનો યુગ ખરેખર ટેક્નોલોજીનો યુગ છે, અને આ ડિઝિટલ ક્રાંતિએ આપણા જીવનના

દરેક પાસાને સ્પર્શ કર્યો છે. શિક્ષણ અને જ્ઞાનપ્રાપ્તિ પણ તેમાંથી બાકાત નથી. પરંપરાગત પુસ્તકાલયોનું સ્થાન હવે ધીમે ધીમે ડિઝિટલ લાયબ્રેરીઓ લઈ રહી છે, જે જ્ઞાનના ભંડારને આપણી આંગળીના ટેરવે ઉપલબ્ધ બનાવે છે. ખાસ કરીને પ્રિન્ટ ડિસેબલ વ્યક્તિઓ માટે, આ ડિઝિટલ લાયબ્રેરીઓ એક વરદાન સમાન છે. પ્રિન્ટ ડિસેબલ એટલે કે જે વ્યક્તિઓ છાપેલું લખાણ વાંચવામાં અસમર્થ હોય, પછી તે દૃષ્ટિહીનતા, ડિસ્લેક્સિયા કે અન્ય કોઈ શારીરિક મર્યાદાને કારણે હોય. આવા વ્યક્તિઓ માટે જ્ઞાનપ્રાપ્તિ હંમેશાં એક પડકારજનક કાર્ય રહ્યું છે. બ્રેલ પુસ્તકોની મર્યાદિત ઉપલબ્ધતા અને તેના ઉત્પાદનનો ઊંચો ખર્ચ આ પડકારને વધુ ગંભીર બનાવે છે. આવા સમયે, ડિઝિટલ લાયબ્રેરીઓ તેમને વાંચનની દુનિયામાં પ્રવેશવાનો એક નવો અને સરળ માર્ગ પૂરો પાડે છે.

આ દિશામાં એક પ્રશંસનીય પહેલ રાષ્ટ્રીય અંધજન મંડળ (NAB) સાબરકાંઠા દ્વારા કરવામાં આવી છે. માર્ચ ૨૦૨૨ માં, NAB સાબરકાંઠા દ્વારા ઉત્તર ગુજરાતની પ્રથમ એક્સેસેબલ ડિઝિટલ લાયબ્રેરીની શરૂઆત કરવામાં આવી, જે પ્રિન્ટ ડિસેબલ વ્યક્તિઓ માટે ખાસ ડિઝાઇન કરવામાં આવી છે. આ લાયબ્રેરી ફક્ત પુસ્તકોનો સંગ્રહ નથી, પરંતુ તે જ્ઞાનના અધિકારને સાકાર કરવાનું એક માધ્યમ છે. આ ડિઝિટલ લાયબ્રેરી પ્રિન્ટ ડિસેબલ વ્યક્તિઓને વાંચવાની અપાર સરળતા પ્રદાન કરે છે અને તેના અનેક ફાયદા છે. સૌથી અગત્યનો ફાયદો તેની સુલભતા છે. આ લાયબ્રેરી ઇન્ટરનેટ કનેક્શન સાથે ગમે ત્યાંથી અને ગમે ત્યારે એક્સેસ કરી શકાય છે. પ્રિન્ટ ડિસેબલ વ્યક્તિઓને પુસ્તકાલય સુધી શારીરિક રીતે જવાની જરૂર પડતી નથી, જેનાથી તેમનો સમય અને શક્તિ બંને બચે છે. અહીં પુસ્તકો ૐઝી (DAISY), MP3 ઓડિયો, અને PDF જેવા વિવિધ ફોર્મેટ્સમાં ઉપલબ્ધ છે. આનાથી દૃષ્ટિહીન વ્યક્તિઓ માટે ઓડિયો ફોર્મેટમાં પુસ્તકો સાંભળવા સરળ બને છે, જ્યારે PDF ફોર્મેટને સ્ક્રીન રીડર સોફ્ટવેર દ્વારા વાંચી શકાય છે, જે તેમની જરૂરિયાત મુજબ ફોન્ટ સાઈઝ અને કોન્ટ્રાસ્ટને એડજસ્ટ કરવાની સુવિધા આપે છે.

NAB સાબરકાંઠાની ડિઝિટલ લાયબ્રેરીમાં અત્યારે ૭૦૦૦ કરતાં પણ વધુ પુસ્તકોનો વિશાળ સંગ્રહ ઉપલબ્ધ છે અને આ સંખ્યા સતત વધી રહી છે કારણ કે નવાં પુસ્તકો ઉમેરવામાં આવી રહ્યાં છે. હું આ લાયબ્રેરીમાં ધોરણ ૧ થી ૧૨ ને લગતા અભ્યાસક્રમ આધારિત પુસ્તકોનો સમાવેશ થાય છે, જે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી છે. આ ઉપરાંત, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો માટે પણ જરૂરી પુસ્તકો ઉપલબ્ધ છે, જે તેમને સમાન તકો પૂરી પાડે છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે માર્ગ મોકળો કરે છે. અહીં અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાનાં

પુસ્તકો ઉપલબ્ધ છે, જે વિવિધ ભાષા બોલતા પ્રિન્ટ ડિસેબલ વ્યક્તિઓને તેમની પસંદગીની ભાષામાં જ્ઞાન મેળવવાની સુવિધા આપે છે. આ ડિઝિટલ લાયબ્રેરી પ્રિન્ટ ડિસેબલ વ્યક્તિઓને બીજા પર નિર્ભર રહ્યાં વિના સ્વતંત્ર રીતે વાંચન કરવાની તક પૂરી પાડે છે. આનાથી તેમનો આત્મવિશ્વાસ વધે છે અને તેઓ સમાજમાં સક્રિય ભૂમિકા ભજવી શકે છે. પરંપરાગત રીતે પ્રિન્ટ ડિસેબલ માટે પુસ્તકો તૈયાર કરવાનો ખર્ચ ખૂબ જ વધારે હોય છે. ડિઝિટલ ફોર્મેટમાં પુસ્તકો ઉપલબ્ધ કરાવવાથી આ ખર્ચમાં ઘટાડો થાય છે અને વધુ લોકો સુધી જ્ઞાન પહોંચાડી શકાય છે, પુસ્તકોનો ખર્ચ કાર્યક્ષમ બનાવે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, NAB સાબરકાંઠા ડિઝિટલ લાયબ્રેરી ફોર પ્રિન્ટ ડિસેબલ દ્વારા ઘણા એક્સેસિબલ પુસ્તકોનું નિર્માણ કરવામાં આવ્યું છે અને આ કાર્ય હજુ પણ ચાલુ છે. આ દર્શાવે છે કે તેઓ માત્ર ઉપલબ્ધ પુસ્તકોનો સંગ્રહ નથી કરી રહ્યા, પરંતુ નવા પુસ્તકોને એક્સેસિબલ ફોર્મેટમાં રૂપાંતરિત કરીને જ્ઞાનના વ્યાપને વિસ્તારી રહ્યા છે. આ ડિઝિટલ લાયબ્રેરીનો મોટી સંખ્યામાં પ્રિન્ટ ડિસેબલ વ્યક્તિઓ ઉપયોગ કરી રહ્યા છે અને તેનો

NAB સાબરકાંઠા પરિવારને ખૂબ આનંદ છે. આ એક નાનો પણ મહત્ત્વપૂર્ણ નિર્ણય છે જે પ્રિન્ટ ડિસેબલ વ્યક્તિઓને સશક્ત બનાવે છે અને તેમને સમાન તકો પૂરી પાડીને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાવવામાં મદદ કરે છે. ટેક્નોલોજીનો આ સકારાત્મક ઉપયોગ ખરેખર પ્રશંસનીય છે અને ભવિષ્યમાં આવા વધુ પ્રયાસો થાય તે અત્યંત આવશ્યક છે.

આનાથી ' સબ કા સાથ, સબ કા વિકાસ " નાં સૂત્રને ખરા અર્થમાં સાકાર કરી શકાશે.

સંદીપ રામી